“‘જિદ્દી ગાંઠ’હવે ગુજરાતી સાહિત્યના સન્માનનીય ‘શબ્દસર’ ના પાનાં પર… દિલથી લખેલું, દુનિયા સુધી
પહોંચેલું.” 🙏
“તમે પણ ક્યારેય આવી ‘જિદ્દી ગાંઠ’ અનુભવી છે?”
“આ ગાંઠ ખોલવી જોઈએ કે સાચવી રાખવી?”
“Comment માં કહો—તમારી ગાંઠ શું કહે છે?”






માનવમન એક વિસ્મયજનક વસ્તુ છે. બહારથી તો તે અજબ રેશમી ,નરમ, લવચીક, સમજદારીથી ભરેલું લાગે છે , પરંતુ જ્યારે અમુક સ્થિતિને વશ થઈને અનુભવરૂપે નીકળતા વિચારો ઉપર આપણે ગાંઠ મારી દઈએ ત્યારે આ જ મગજ જાણે લોખંડની જેમ કઠોર થઈ જાય છે. આ ગાંઠ માત્ર વિચારને જ નહીં—પણ આખા વ્યક્તિત્વને કઠણ બનાવી દે છે અને સૌથી મોટું દુઃખ એ કે આપણને એ કઠોરતાનો ખ્યાલ જ આવતો નથી.
આપણે કોઈક વિચારને એ સાચો છે કે ખોટો છે એ તપાસ્યા વિના જ પકડી લઈએ છીએ.
ક્યારેક કોઈની વાત,
ક્યારેક કોઈ ઘટના,
ક્યારેક કોઈ ગેરસમજ,
અને ક્યારેક માત્ર કોઈ પોતાના મનમાં પેદા થયેલી એક ક્ષણિક ભાવનાના ફળરૂપે પ્રગટેલો વિચાર!
बस! એ ક્ષણિક ભાવના જ જીવનભરની ગાંઠ બની જાય છે.
જ્યારે આપણે એ ગાંઠ બાંધી દઈએ છીએ, ત્યારે આપણી વિચારશક્તિને જાણે લૂણું લાગી જાય છે—ખારું, કઠોર અને નિર્જીવ! વિચારોનું સ્વચ્છ વહેણ જે પહેલાં ખળખળ વહેતું હતું તે જડ થઈ જાય છે. આજુબાજુ શું બદલાઈ રહ્યું છે, લોકો કેવા છે, પરિસ્થિતિ કેટલી બદલાઈ ગઈ છે એ સઘળાની એને કોઈ અસર જ થતી નથી. આપણે તો માત્ર જડ પણે એ ગાંઠને હાથમાં લઈને જીવન કાપતા રહીએ છીએ,
પથ્થરનો ભાર લઈને જીવન દરીયામાં તરતા રહીએ છીએ.
અનુક્રમે એ ગાંઠ પર
જીદ, નકારાત્મકતા, ગુસ્સો, અહંકાર જેવા બીજા પડ ચડતા જાય છે અને આપણે પાછા આ બધા પડને ઘસી ઘસીને ચમકાવતા રહીએ છીએ.
જોકે અંદરખાને તો આપણને હકીકત ખબર હોય છે.
હા, ઘણી વખત તો સ્પષ્ટ ખબર હોય છે કે આ વિચાર આપણને નબળો બનાવી રહ્યો છે, ઘોર ખોદી રહ્યો છે એ છતાં આપણે એ ગાંઠને હોય એટલો બધો અહમ, જુસ્સો ભેગો કરીને વધુ મજબૂત બનાવતા રહીએ છીએ.
કોઈની એક વાતે દુઃખ લાગ્યું,
કોઈએ દુર્ભાવનાથી નહીં પરંતુ અજાણતા કંઈક કહ્યું હોય,
કોઈ સંબંધમાં નાની ગેરસમજ,
કોઈ મિત્ર દ્વારા ના મળેલો અપેક્ષિત પ્રતિભાવ…
આ તમામ ક્ષણોને આપણે હૃદયના ખૂણામાં સાચવી રાખીએ છીએ.
આપણી “એ હું તો ભૂલી જ નથી શકતો/શકતી!” વૃત્તિ સૌથી વધારે ઝેર જેવી સાબિત થાય છે.
હકીકતમાં આપણે આસાનીથી ભૂલી શકીએ છીએ,
પણ “ભૂલીને માફ શું કામ કરવું” એ વાતની ગાંઠ જ સૌથી વધુ ગાઢ હોય છે.
આપણે ગાંઠ મારેલી એ એક વાત—
એક ક્ષણ, એક દુઃખ, એક અપમાન—આપણો શ્વાસ રૂંધવા માંડે છે, એટલા ઊંડા કૂવામાં ધકેલીને ડૂબાડી દે છે કે જીવનનું ફૂલપણું ખોવાઈ જાય છે.
જીદને જીવનની પ્રેરણા ગણવાની ભૂલ કરી લઈએ છીએ.
કેટલીક જીદને “મારી ઓળખ” ગણી લઈએ છીએ.
“હું તો આમ જ!”
“હું ક્યારેય ઝૂકતો નથી!”
“મને જે ખોટું લાગ્યું છે એની સામે હું આખરે સુધી ઊભો રહીશ, ઝઝૂમીશ !”
આવા મનોમન ચાલતા સંવાદોથી આપણું મગજ સાવ બહેર મારી જાય છે અને પછી સમજણના બધા દરવાજા બંધ થઈ જાય છે.
આપણે એવું માની લઈએ છીએ કે જીદ રાખવી એટલે મજબૂત સ્વભાવ! પણ હકીકતમાં જીદ આપણને અંદરથી ખોખલા બનાવે છે.
કોઈ હિતઇચ્છુક સમજાવવા આવે તો એ વળી આપણને દુશ્મન જેવો લાગવા લાગે.
આપણે ક્યારેય વિચારતા નથી કે કદાચ એ મારી ચિંતા કરે છે એટલે મને દુષ્પરિણામોથી બચાવવાના પ્રયત્નો કરતો હતો!
એની મંશા માત્ર મને થોડી હળવાશ પ્રાપ્ત થાય એટલી જ હતી !
પણ અફસોસ—
અહંકાર આંખને એટલો ધૂંધળો કરે છે કે માણસ પોતાનું સત્ય પણ નથી જોઈ શકતો.
પછી અચાનક એક દિવસ તીવ્ર ઝાટકો લાગે છે.
આપણને લાગે છે કે બધું આપણા કાબૂમાં છે. બધું આપણી ઈચ્છા પ્રમાણે ચાલી રહ્યું છે . આપણી ગાંઠ પર આપણો સંપૂર્ણ વિશ્વાસ કાયમ રહે છે.
પણ અચાનક…
કોઈ ઘટના એવી બને છે કે બધું ઊંધું થઈ જાય છે.
આપણા વર્ષોથી બાંધેલા મકાનની એક દિવાલ તૂટી પડે,
અથવા કોઈ પ્રિયજન દૂર થઈ જાય,
અથવા જીવન કોઈ મોટા વળાંક પર થોડું ઝૂકી પડે…
બસ એ ક્ષણે જ આપણી મજબૂત માન્યતાઓ એકાએક તૂટવા લાગે છે.
આપણે ઊંધા પડીયે ત્યારે સમજાય છે કે ગાંઠ સાથે ચાલી રહ્યા હતા એ કેટલું બોજારૂપ હતી. મગજના દરેક તાર જાણે ઝાટકાથી ધ્રુજવા માંડે છે.
અને ત્યારે આપણે જાતને એક પ્રશ્ન પૂછીએ છીએ:
“આવો ખોટો વિચાર મેં જીવનમાં ક્યારે અને શા માટે બાંધી લીધો?”
ધબકારા ઝડપી થઈ જાય છે.
સ્મરણો ફિલ્મની જેમ સડસડાટ આંખ સામે પસાર થાય છે.
અને અંદર કંઈક—
કઠણ, થોડું કડવુ, થોડું અહંકારથી ભરેલું—
ધીમે ધીમે પિઘળવા લાગે છે.
એ જે પિઘળે છે… તે આપણો અહંકાર છે
જ્યારે સમજાય છે, ત્યારે સમજાય છે કે કેટલું તુચ્છ હતું!
કેટલું નાનું… કેટલું બાળકીય!
વર્ષો સુધી જે વાતને આપણે મસ્તક ઉપર ધારણ કરી રાખી—
તે વાતના કોઇ મક્કમ પાયો જ નહોતો!
કોઈ અર્થ જ નહોતો!
પણ આપણે એને “મારી સત્યતા”, “મારી ઓળખ”, “મારો વલણ” ગણી લીધું.
અને હકીકતમાં આપણે એ ‘ગાંઠના ગુલામ’ બની ગયા હતા.
જ્યારે અંદરનું પથ્થર પ્રવાહી બને,
ત્યારે અંદરનું મન પહેલી વાર હળવું થાય છે.
એ હળવાશમાં જ સાચી સમજણ જન્મે છે—
કે જે વર્ષો જીદમાં વેડફી નાખ્યા,
તે આજ સમજણ થોડા વર્ષો પહેલા આવી હોત તો…
જીવન કેટલું હળવું, ફૂલ જેવું, સુગંધિત હોત!
આપણે જે ગાંઠ બાંધીએ છીએ,
પણ એની સજા માત્ર આપણે જ નહીં— આપણી આસપાસનાં લાડકવાયા પણ ભોગવે છે.
શુભચિંતકોને ક્યારેય બોલવાની મજબૂત હિંમત રહેતી જ નથી, કારણ કે તેઓ જાણે છે કે આપણે સાંભળીશું નહીં. આપણો ગુસ્સો, આકરા શબ્દો, કઠોર નિર્ણય—
આ બધા વ્યવહારોથી થાકી હારીને તેઓ દૂરથી જ આપણને જોઈને દુઃખી થતા રહે છે.
તેમના હાથ બંધાયેલા હોય. તેમના મુખ પર તાળું લાગેલું હોય અને તેમનું હૃદય આપણું દુઃખ જોઈને કણસતું હોય છે, પણ આપણે તો અજ્ઞાનતોમાં ગાંઠપટ્ટુ બાંધીને સુતા રહી જઈએ છીએ.
સાચી સમજણ આવે છે ત્યારે આંખો ફાટી જાય છે .
સમય એટલે સૌથી મોટો ગુરુ..તે શીખવાડે તો છે—પણ ફી પણ ભારે લે છે. અનુભવ એટલે સૌથી મોટું પુસ્તક, પણ એના દરેક પાને પીડાની શાહીથી શબ્દો લખાયેલા હોય છે.
જ્યારે આંખો બંધ કરી દીધી હોય છે ત્યારે બધું સુંદર દેખાય છે. એ વખતના પાંપણના કાળા અને ભરાવદાર વાળ જ્યારે આપણને સત્ય જોવા માટે આંખો ખૂલે છે ત્યારે ઘણીવાર તો વાળ પકડાય પણ નહીં એટલા સફેદ થઈ ચૂકેલા હોય છે.
જીવનનાં અગત્યનાં વર્ષો હાથમાંથી રેતીની જેમ સરકી ગયાં હોય છે.
પણ છતાંય—
સમજણ આવે એ જ સૌથી મોટું ભાગ્ય.
કેમ કે કેટલીક વ્યક્તિઓ આખું જીવન જીદની ગાંઠ સાથે જ જીવી જાય છે…
એ મોટી દુર્ભાગ્યની વાત છે.
અંતમાં…
જીવન નાનું છે, પરિસ્થિતીઓ બદલાય છે,
લોકો બદલાય છે, મન બદલાય છે. જો સમય રહેતાં આ ગાંઠો ખુલી જાય તો જીવનમાં કેટલી સહજતા, ઉજાસ, કેટલું હળવાપણું, કેટલી મુક્તિ મળે!
આપણી કેટલીક જીદ પતતી જ નથી અને આપણે એની કિંમત પણ બહુ મોટી ચૂકવીએ છીએ. જીવન હળવું થવાનું શરૂ થાય એ પહેલાં ગાંઠોને છોડતા શીખી જવું એ ખૂબ જ સરસ વાત છે. અંતે તો જીદ છોડવી એ હારવું નથી — પણ જીવન જીતવાની પહેલી કડી છે!
_સ્નેહા પટેલ.









