અવલોકનઃ આવ, મળીએ જિંદગીઃ

માર્ચના પ્રથમ અઠવાડિયામાં જયશ્રી મરચંટ લિખિત ‘આવ, મળીએ જિંદગી’ પુસ્તક મેઈલ-બોક્સમાંથી મળ્યું.  ‘આવ, કહીને આમંત્રણ આપતું શિર્ષક વાંચતાં જ આંગળીઓ પાનાં ફેરવતી ગઈ ને એમ લાગ્યું કે આમાં કશુંક ગમતીલું લાગે છે. તે દિવસે તો અન્ય પુસ્તકોની સાથે મૂક્યું. પણ પછી બીજી સવારથી વળીવળીને નજર ત્યાં જ જઈ બેસતી. એમ રોજ સવારે થોડાં થોડાં પ્રકરણો વંચાતાં ગયાં અને  ક્યારે આ પુસ્તક પૂરેપૂરું વંચાઈ ગયું એ ખબર જ ન રહી.

જિંદગીનું પણ એવું જ છે ને? એને પામતાં પામતાં તો પૂરી થયાનો અહેસાસ થવા માંડે છે! એ રીતે શિર્ષક ખૂબ યથાર્થ લાગ્યું.

આ પુસ્તકમાં સ્મરણોની હૂંફાળી શાલમાં વીંટાયેલી, સાહિત્યના લગભગ દરેક મુખ્ય ગદ્યસ્વરૂપોમાં વ્યક્ત થતી ભાતીગળ વાતો છે. એમાં આત્મકથની છે, પત્ર છે, ડાયરી છે, ચરિત્રલેખન છે તો વળી પાત્રો, ઘટના અને સંવાદોથી ભરીભરી દિલચશ્પ વાર્તાઓ પણ છે. એ રીતે પણ શિર્ષક બરાબર લાગે છે. કારણ કે, જિંદગીમાં પણ આ બધું જ છે ને? બીજી એક ખૂબી એ છે કે, આ બધી જ વાતો સહજ અને સરળ ભાષામાં અને એકદમ રસાળ શૈલીમાં લખાઈ છે. એટલે એકવાર શરૂ કર્યા પછી સંપૂર્ણપણે વાંચવી ગમે છે.

કેટલીક ‘ઝીણી’ના જેવી કે પછી નપુંસક પુરુષ દ્વારા પત્નીને થતી કનડગત જેવી વાતો તો એટલી હૃદયદ્રાવક લાગે કે ઊભા થઈને બળવો કરવાનું મન થઈ જાય. કારણ કે, આ માત્ર વાર્તાઓ નથી. પણ બનેલી સત્યઘટનાની સ્મરણકથાઓ છે. મન પર એની ઘેરી અસર રહે છે.

જિંદગીના જુદાજુદા પડાવ પર મળેલા જુદાજુદા માનવીઓની, જુદીજુદી સ્થિતિઓમાં થયેલા પ્રસંગોની સ્મરણકથાને આલેખતાં જયશ્રીબહેનની કલમે અનાયાસે જ તેમનું ખુદનું ચિત્ર વાચકના મનમાં ઉપસતું જાય છે. ફિલ્મી ગીતોથી પૂરી કરતા અને સિફતપૂર્વક નવી વાત જોડતાં આ લેખિકા જિંદગીને ભરપૂર ચાહે છે. અન્યને સહાયભૂત થતાં રહેવાની ઇચ્છા અને ક્ષમતા ધરાવે છે. પોતે પણ સંઘર્ષોમાંથી પસાર થયાં છે પણ ક્યાંયે ન તો ફરિયાદનો સૂર છે કે ન તો ગમગીનીનું પૂર. છેલ્લું પ્રકરણ તો ‘વાતવાતે મને યાદ આવો તમે’… વાંચતાં વાંચતાં તો ગળે ડૂમો ભરાય અને આંખમાં આંસુ આવે જ, આવે.

છેલ્લે કહેવાનું ગમશે કે, ૨૦ પ્રકરણોમાં પથરાયેલાં અતીતનાં આ આબેહુબ દૄશ્યો અલગ અલગ જિંદગી સાથે મેળાપ કરાવે છે. વાચકના મનમાં ઘેરું ચિંતન અને પડકારો સામે અડીખમ રહેવા માટેનું બળ પૂરું પાડે છે. સાચ્ચે જ..

જેવી મળી આ જિંદગી, જીવી જવાની હોય છે,
સારી કે નરસી જે મળી, શણગારવાની હોય છે.
ના દોષ દો,ઇન્સાન કે ભગવાન યા કિસ્મત તમે,
પળપળ અહીં દુલ્હન સમી, સત્કારવાની હોય છે.

 આ પુસ્તક આખું વાંચીને બંધ કર્યા પછી ફરી એકવાર આમંત્રણ આપતાં શિર્ષક તરફ નજર પડી ને એક સ્મિતની લહેરખી છવાઈ ગઈ; એમ વિચારીને કે, હા, જિંદગી તું આવી જ છે. આવ, મળીએ તને..

જયશ્રી મરચંટને અભિનંદન.

અસ્તુ.

દેવિકા ધ્રુવ

માર્ચ ૭, ૨૦૨૬

होलीके हिंदी बोल- मार्च २०२६

रविवार, 1 मार्च, 2026..

जेवीबी प्रेक्षा ध्यान केंद्र, 14102 शिलर रोड, ह्यूस्टन.

૩૬. ॐ पूर्णमदः पूर्णमिदम् पूर्णात् …     

બ્રહ્મ( ત્રણે લોક) પૂર્ણ છે, આ પણ પૂર્ણ છે. પૂર્ણમાંથી જ પૂર્ણ સર્જાયું છે. પૂર્ણમાંથી પૂર્ણ લઈ લો તો પણ પૂર્ણ જ

બાકી રહે છે.

ઈશાવાસ્ય ઉપનિષદનો આ એક શાંતિમંત્ર છે. વિદ્વાનોએ જુદીજુદી રીતે તેના ઊંડા અર્થો કરીને ખૂબ ક્લિષ્ટ બનાવી દીધા છે. પણ સરળ ભાષામાં કહેવું હોય તો એટલી જ વાત છે કે,આ જગત એક પૂર્ણ (સંપૂર્ણ) માંથી સર્જાયું છે અને પૂર્ણ છે. તેને બાદ કરો તો પણ જે રહે છે; તે તો પૂર્ણ જ છે. ૦-૦=૦ …પણ શૂન્ય એટલે શૂન્ય નહિ પણ પૂર્ણ, સંપૂર્ણ કહેવાય.

Om=sound of soul, purnamadah=purnam+adah=

Purnam=complete adah= that ( Supreme)

purnamidam=Purnam+idam=

Purnam=complete, idam=this ( world)

purnaat= from Purna, purnamudachyate=purnam+udachyate

purnam= complete,udachyate=is created

purnasya=from completeness,

purnmaaday, purnam+Adaya=to take it off

purnamevaavshishyate= purnam+eva+avashishyate

purnam=complete= eva=only, avashishyate= remains.

That outer world is complete-Full with divine consciousness. This inner world is also same. It is created

from that complete divine. Even if purNa is taken out from PurNa, Purna indeed remains. 0-0=0!!

૩૫. उद्यमस्साहसं धैर्यम्..

પરિશ્રમ,હિંમત,ધૈર્ય,
બુદ્ધિ,શકિત,પરાક્રમ-
આ છ ગુણો જેનામાં દેખાય છે; તેને ઈશ્વર પણ મદદ કરે છે.

આ સુભાષિતમાં મનુષ્યમાં કયા કયા ગુણો હોય તો ઈશ્વર સહાય કરે છે તે વાત જણાવી છે. દરેક જણે સફળ થવા માટે કેટલીક પાયાની વાતો જાણવા, સમજવા અને જીવનમાં ઉતારવી જરૂરી છે.
દા.ત.મહેનત કરવી જોઈએ.
હિંમતપૂર્વક આગળ વધવું જોઈએ,
ધીરજપૂર્વક કામ કરવું જોઈએ.
બુદ્ધિપૂર્વક વિચારી કાર્ય કરવું જોઈએ.
પોતાની શક્તિને યોગ્ય રીતે કામે લગાડવી જરૂરી છે;
અને છેલ્લે વીરતા દાખવવી જોઈએ.
કોઈપણ કામ આ ગુણોને લક્ષમાં રાખીને કરવામાં આવે તો જરૂરથી ઈશ્વર, કહો કે નસીબ પણ સહાયભૂત થાય છે.

Udyamassahasyam dhairyam buddhihi shaktihi paraakramah.

Shadete yatra vartante tatra deva sahaayakruta.

Udyamaha+saahasam, udyamaha=efforts, saahasam=courage

Dhairyam=patience, budhdhihi=intelligence, shaktihi=strength

Paraakramah=courage, Shadete=Shat+ete, Shat=six, ete=these qualities

Yatra=where, Vartante=exist, Tatra=there, Deva=God,

Sahaayakruta=sahaaya+krutaa=

Sahaya=Helpful, kruta=provides

To achieve something, six qualities require.

1. Efforts 2. Courage 3. Patience 4. Intelligence

5. Strength 6. Boldness, Confidence.

If these six qualities exist in a person, even the God Almighty renders assistance to him.

૩૪. कार्येषु मंत्री करणेषु दासी…

भोज्येषु माता शयनेषु रम्भा 

धर्मानुकूलो  क्षमया धरित्री

भार्या च  षड्गुन्यवतीह  दुर्लभा ॥

कार्येषु=કાર્યમાં,પ્રસંગોમાં  मन्त्री=મંત્રી જેવી, સલાહકાર,

करणेषु= ગૃહકાર્યમાં, રોજબરોજનાં કામોમાં, दासी=હાજર,સેવિકા જેવી,  

भोज्येषु=ભોજનમાં  माता=માતા જેવી પ્રેમાળ,  शयनेषु= શયનમાં  रम्भा =અપ્સરા જેવી,

धर्मानुकूलो=धर्म+अनुकूलो=

धर्म=યોગ્ય આચરણ+अनुकूलो=પાળનારી,


 क्षमया=ક્ષમાભાવમાં, धरित्री=ધરતી જેવી,

भार्या=પત્ની,  च=અને, षड्गुन्यवतीह=षड्+गुणवतीही=

 षड्=છ, गुणवतीही=ગુણોવાળી, दुर्लभा= દુર્લભ એવી.

પ્રાસંગિક કામોમાં મંત્રીની જેમ સાચી સલાહ આપનારી,ઘરના રોજીંદા કામોમાં સતત હાજર રહેનારી,જમાડવામાં માતા જેવી પ્રેમાળ, શય્યા સમયે અપ્સરા જેવી,ધર્મનું પાલન કરનારી અને ક્ષમાભાવમાં ધરતી જેવી-આવા છ ગુણો ધરાવતી સ્ત્રી દુર્લભ છે.

Kaaryeshu Mantri Karaneshu daasi,
bhojyeshu maata shayaneshu Rambha
Dharmaanukulo kshmyaa dharitri,

bharyaa cha shadgunyavatih durlabhaa

Kaaryeshu= task, action, Mantri= counseler.

Karaneshu=routine work, daasi=helper, caretaker,

Bhojyeshu=food, meal-time, maata=mother

Shayaneshu=bedtime, Rambha=divine beauty.

Dharmaanukulo= dharma+anukul=

Dharma=righteousness, anukul=In accordance.

Kshamayaa=forgiveness,  dharitri= earth

Bharyaa=wife, cha=and, Shad gunyavatih=shad+gunyavatih=

Shad=six, gunyavatih=virtues, durlabhaa=fortunate


It is fortunate for a man to get a woman as his wife who possesses six virtues.

1) helping like a counsel during important task.

2) like a great helper for daily chores.

(3) providing food like his mother

(4) sensuous like Rambha (beautiful woman ) in his bedroom.

(5) following the Religion and (6) having tolerance and forgiveness like Mother Earth.


આશ્ચર્યસભર સુખદ ભેટ..

દર જન્મદિનની જેમ આ વર્ષે પણ મારી સર્જનાત્મક પ્રવૃત્તિઓ અંગે આશ્ચર્યજનક ભેટ મળી. આમ તો  વાંચતા-લખતાં રહેવું એ એક દૈનિક મનગમતી પ્રવૃત્તિ છે. પણ એ જ્યારે ક્યાંક કોઈ ખૂણે પોંખાય ત્યારે ખુશી જરૂર થાય.

આકાશવાણી, અમદાવાદના પૂર્વ નિયામક, શ્રી ભગીરથ પંડ્યાએ તેમના ‘કાવ્યસ્મૃતિ’ ઑડિયો મેગેઝીન માટે તૈયાર કરેલ ઍપિસોડ મોકલ્યો. તેમાં તેમણે ખાસ્સી જહેમત કરીને ઠેકઠેકાણેથી મારાં સાહિત્યિક પ્રદાન પર કેંદ્રિત વિગતો મેળવી પોતાના અવાજમાં રજૂ કરી છે.

તેમના આભાર સાથે સહર્ષ…
વિડીયોઃ દેવિકા ધ્રુવ

૩૩. छायामन्यस्य कुर्वन्ति


छायामन्यस्य=छायाम्+अन्यस्य= छायाम्=છાયડો+अन्यस्य=બીજાઓને માટે
कुर्वन्ति=કરે છે.  तिष्ठन्ति=ઊભા રહે છે. स्वयमातपे=स्वयम्+आतपे=
स्वयम्=પોતે+आतपे= તપીને. फलान्यानि= फलानि+अन्यानि=
फला=ફળો+अन्यानि=વગેરે (ફૂલો,પાંદડાં, લાકડાં), परार्थाय=पर+अर्थाय,
पर=પારકા,બીજા લોકો+अर्थाय= ને માટે, કાજે, वृक्षाः=વૃક્ષો,  सत्पुरुषा:=સારા પુરુષો=સજ્જનો  इव=જેમ જ.


વૃક્ષો પોતે તપીને બીજાઓ માટે છાંયડો કરે છે; આપે છે.  સજ્જન માણસોની જેમ વૃક્ષો પારકાંઓને માટે ફળ વગેરે પ્રદાન કરે છે.


 આદિકાળથી સાહિત્યમાં વૃક્ષો વિષે ઘણું બધું લખાયેલું છે. એ જરૂરી અને ખૂબ જ મહત્ત્વનું પણ છે. ગમે તેવી ઋતુ હોય; ટાઢ,તાપ કે વર્ષા, પણ વૃક્ષો હંમેશાં પરોપકારી મનુષ્યોની જેમ જ અન્યને માટે છાયડો આપે છે અને ફળો તો ખરાં જ પણ તે સિવાય પણ ફૂલો,પાંદડા, લાકડાં,વલ્કલ એમ અનેક વસ્તુઓ પૂરી પાડે છે. અહીં વૃક્ષોને જીવંત દર્શાવ્યાં છે અને પરોપકારી સજ્જનો સાથે સરખાવ્યાં છે. એ રીતે જગતને એક સુંદર સંદેશ અપાયેલ છે.

Chhayamanyasya kurvanti tishthanti svayamaatape.
Phalaanyaani paraarthaay,vrukshaah satpurushaah eva

Chhayaamanyasya = chhaayaam +anyasya.
 Chhaayaam = shade. Anyasya = to others. Kurvanti = do, provide.
Tishthanti =stand, stay. Svayamaatape = svyam+aatape.
Svyam=oneself. Aatap =scorching sunshine. Phalaanyaani=Phala+anyani. Phala = fruits, Anyaani =other things. Paraarthaaya=Par+arthaay
Par=others arthaay=for the benefit Vrukshaah=trees.
Satpurushaah=Noble persons. Iva = like ( for comparison).


Trees provide cool shade to people while they themselves
stand  in the scorching Sun.  Like the noble and virtuous persons
they also help others by providing their fruits and other things.

૭૮ને આરે…

પોણી સદીની પાળે ત્રણ વર્ષ ઝુલી લીધા પછી હવે લગભગ ૮૦ને દ્વારે આવીને ઉભી છું. લાગે છે, ખૂબ ચાલી. પણ હજી થાકી ક્યાં છું? હા, જોમમાં ફરક જરૂર છે. પણ જન્મદિવસ પણ રોજના જેવો જ લાગે છે. રોજ સવારે આ સામેના ફુવારાનો ઉન્મેષ અનુભવું છું, સૂર્યના તેજનો અંશ ચહુ છું, સતત વહેતા જળાશયની ગતિ ઝંખું છું. જે કંઈ મળવાનું બાકી છે એ શું હશે એ વિષે ઉત્સુક છું. એટલે ઘણું બધું કરવું છે. પણ હવે દુન્યવી તમામ પરિબળોથી, લગાવથી પર રહી, ભીતરની ગુફામાં પ્રવેશવું છે. ભીતર ઊતરી ઊંડે શું છે એ શોધવું છે.

 પ્રત્યેક સહેતુક જન્મતાં જીવોની જેમ મારા આ છૂટા પડેલા એના અંશનું તત્ત્વ કે સત્ત્વ શું છે એ મળે તો પામવાની રટણા છે. કદાચ ક્યાંય ન દેખાતું, નરી આંખે ન જોવાતું, પાંચે ઈંદ્રિયો થકી પણ ન અનુભવાતું  એ કશુંક ઘણું ઝીણું ત્યાં હોઈ શકે!

દરેક જન્મદિવસની જેમ આજે પણ મા સાંભરે છે.
આમ તો,
જન્મદિવસ..
ખરેખર તો એ માનો દિવસ.
કોઈને યાદ નથી હોતી પોતાના જન્મની એ ક્ષણ..
મને પણ યાદ નથી.
હા, યાદ છે; સમજણ અવસ્થામાં,મા કહેતીઃ
ગામમાં ત્યારે તો ડોક્ટર નોતા.
પડોશમાંથી દાયણ આવીતી.
ભણેલી નહિ હોં, પણ અનુભવી બહુ.
એણે ઘરમાં જ તને જન્માવી!”
કેવી હશે એ પળ મા માટે?
કેટલી અને કેવી યાતનાઓ
ને પીડાઓ વચ્ચેથી એણે
,
પોતાની જાતથી અળગી કરીને,
મને વિશ્વમાં લાવી હશે?
કેવી હશે એ ક્ષણ?
અંતરના પેટાળથી માંડીને
મસ્તકના આભ સુધી નખશીખ
એણે સર્વસ્વ આપી દીધું હશે.
કેવી હશે એ ઘડી મા માટે?
વેદનાની એ ખુશી..
આજે મારી સાથે જન્મદિનની ખુશી છે.
એની બિનહયાતીની વેદના સાથે
ને એની સ્મૃતિની ખુશી સાથે.

૩૨. उदये सविता रक्तो रक्तश्चास्तमयेतथा।

સૂર્ય ઉગવાના સમયે લાલ હોય છે અને તે જ પ્રમાણે આથમવાના સમયે પણ રક્તવર્ણો,લાલ જ હોય છે. મહાન માણસો સુખ અને દુઃખ, બંને સમયમાં એકસરખા જ રહે છે.

Udaye=rising time, Savita=Sun, rakto= red

Raktashchastamaye= raktah+cha+asta+samaye=

Raktah=Red,cha=and, asta=setting, samaye= time

Tathaa=that way, similarly, same way, sampattau=Prosperity time,

cha=and, Vipattau=Troubled time= cha=and

Mahataamekarupataa=Mahatam+ekarupataa

Mahataam=great people, ekarupata=same, invariable nature

The sun looks red while rising as well as while setting. Great men too remain alike in both, the good and bad times. Similarly great souls maintain the same conduct in prosperity as well as adversity. (Their nature does not change).


રસદર્શનઃ ૩૬ઃ ગની દહીંવાલા

મારું ખોવાણું રે સપનું,
ક્યાંક જડે તો દઈ દેજો એ બીજાને ના ખપનું … મારું ખોવાણું રે સપનું.

પૂર્વ કહે છે પશ્ચિમ તસ્કર, દક્ષિણ કે’છે ઉત્તર,
વગડા કે’છે ચોર આ વસતિ, પર્વત કે’છે સાગર,
ધરતીને પૂછું તો દે છે નામ ગગનમંડપનું … મારું ખોવાણું રે સપનું.

વ્હારે ધાજો જડ ને ચેતન મારી પીડ પિછાની,
અણુ અણુ સાંભળજો મારા સમણાની એંધાણી;
તેજ તણા અંબાર ભર્યા છે, નામ નથી ઝાંખપનું … મારું ખોવાણું રે સપનું.

ખોળે મસ્તક લૈ બેઠી’તી એક દી રજની કાળી,
જીવનની જંજાળો સઘળી સૂતી પાંપણ ઢાળી;
નીંદરના પગથારે કોઈ આવ્યું છાનું છપનું … મારું ખોવાણું રે સપનું.     – ગની દહીંવાલા


૧૯૦૮માં સુરતમાં જન્મેલ શ્રી ગની દહીંવાલા આમ તો ગઝલકાર તરીકે ખૂબ પંકાયા છે. પણ તેમણે ખૂબ સુંદર ગીતો અને મુક્તકો પણ લખ્યા છે.

‘મારું ખોવાણું રે સપનું ’ એ વાંચતાં જ ગમી જાય અને ગાતાં જવાય એવું મઝાનું ગીત છે. કશુંક ખોવાવાની વાત તો દુઃખની કહેવાય. એને મઝાની તો કેમ કહેવાય? પણ આ ગીતમાં ખોવાયેલને શોધવાની જે રીતો છે તે ખૂબ મઝાની છે. ક્યાંયે કોઈ વસ્તુ કે વ્યક્તિ ખોવાયાની વાત જ નથી આવતી. તો પછી દિલને હરી લેતા આ ગીતમાં એવું તે શું છે?

ગીતનું શીર્ષક અને એની ધ્રુવપંક્તિ એક ખોવાયેલા સ્વપનની પહેલેથી જ સ્પષ્ટપણે જાહેરાત કરી દે છે પણ એ સ્વપ્ન શેનું હતું? કોનું હતું? એમાં શું ખોવાઈ ગયું? આ બધા પ્રશ્નો સીધેસીધા વાચક પર છોડી દઈ સિફતપૂર્વક કવિ એને શોધવામાં પડી જાય છે; એમ કહીને કે “તમને જડે તો આપી દેજો. કારણ કે, એ બીજા કોઈને કામનું નથી!” વાહ..કવિ..સપનું ખોવાયાની વાતમાં હકીકતે શું ખોવાયું છે તે કહેવાની તમા રાખ્યા વગર એ તો ઉતાવળે ઉતાવળે લાગી જાય છે એની શોધમાં. એમને ખબર છે, અરે પૂરી ખાત્રી છે કે એ બીજા કોઈને કશા ઉપયોગમાં આવે તેમ છે જ નહિ. પોતે જાતે શોધવાનું છે. આ પ્રથમ બે પંક્તિઓમાં જ એક ચિત્ર ઊભું કરી દીધું છે. એટલું જ નહિ આ કોઈ અનન્યની શોધ કરવાની છે એનો પણ સંકેત મળી જાય છે. એટલે એ માનવજાતને બદલે સીધા કુદરત તરફ ધસી જાય છે.

પ્રથમ અંતરામાં સૌથી પ્રથમ જેનું સપનું ખોવાયું છે તે પહોંચે છે ચારે દિશાઓ તરફ. પૂર્વ દિશાને પૂછે છે તો એ જવાબ આપે છે કે, “મારી પાસે નથી. પશ્ચિમે ચોરી લીધું હશે.” તસ્કર શબ્દ પણ કેવો સહેતુક પ્રયોજાયો છે! અહીં ધાર્યું હોત તો સીધો ‘ચોર’ શબ્દ વાપરી શકાયો હોત. પરંતુ તસ્કરના ઘણાં અર્થોમાંનો એક અર્થ એ પણ છે કે, માણસના પગરવથી સંકોચાઈ જતું એક ઝાડ. અહીં અચાનક ભાવકચિત્તમાં અધ્યાત્મની જાણે વિચારદીવડી પ્રગટી જાય છે. ઉચિત શબ્દપ્રોગ એ એક સિદ્ધહસ્ત કવિની કલાત્મકતા છે. આગળ જતાં એ દક્ષિણ દિશાને પૂછે છે તો એ વળી ઉત્તર તરફ આંગળી ચીંધે છે. વગડાઓ વસ્તીને ચોર ઠરાવે છે, પર્વત સાગરનું નામ દઈ છટકી જાય છે અને ધરતી પણ આભનું નામ દે છે! આમ, એકબીજાં તરફ આક્ષેપો કરાતી ચારે દિશાઓનું કેવું સર્વકાલીન ચિત્ર ઊભું થાય છે? અને શોધક પોતાનું  સપનું ખોવાયાની રટણ કરતો દોડ્યે જ જાય છે.

પૂર્વ કહે છે પશ્ચિમ તસ્કર, દક્ષિણ કે’છે ઉત્તર,
વગડા કે’છે ચોર આ વસતિ, પર્વત કે’છે સાગર,
ધરતીને પૂછું તો દે છે નામ ગગનમંડપનું … મારું ખોવાણું રે સપનું.

હવે શું કરવું ? એવી વિમાસણમાં એ મૂંઝાઈ જાય છે. એને અપાર પીડા થાય છે. ડૂબતો માણસ તરણું શોધે એ રીતે એ જડ વસ્તુઓને પૂછે છે, ચેતન પ્રકૃતિની એકએક વસ્તુઓને પૂછે છે. પૂ્છતો જાય છે અને મદદ પણ માગતો જાય છે. અણુએ અણુને કહે છે કે, તમે જરા જુઓને! એ સપનું સામાન્ય નથી. ખૂબ પ્રકાશ પાથરનારું છે. તેમાં તેજના અંબાર ભર્યા પડ્યા છે. એ જરાયે ઝાંખું નથી હોં. શક્ય તેટલું વર્ણન કરી વીનવે છે,આજીજી કરે છે કે મને મારું ખોવાયેલું સપનું પાછું મેળવી આપો. અહીં શબ્દે શબ્દમાં આર્જવભરી ઋજુતા છે, પામવાની ઝંખના છે, એક અંતરમાંથી ઊઠેલી સાચી તરસ છે.

“અણુ અણુ સાંભળજો મારા સમણાની એંધાણી” આ ક્યા પ્રકારનું સપનું હશે? કેવી રીતે અને શેનું  સપનું આવ્યું હશે? અને અધૂરા સ્વપ્ને જ આંખ ખુલી હશે? તો ફરીથી સપનું આવશે. એમાં શોધવાનું હોય કાંઈ? આવા કંઈ કેટલાયે સવાલો અને જીજ્ઞાસા ભાવકચિત્તમાં ઉઠ્યાં વગર રહેતાં નથી. ખરી ખૂબી તો એના જવાબો શોધવામાં છે ને? કદાચ કવિને મન એમાં જ વધુ રસ છે અને એ જ અભિપ્રેત પણ હશે.

હવે એક વાર્તાકારની અદાએ, ત્રીજા અને છેલ્લા અંતરામાં ખોવાયાના ખુલાસાઓ કરતાં કવિ કહે છે કે, એક કાળી રાત હતી. જગત આખું ઊંઘી ગયું હતું. સૌના જીવનમાં ચાલતી રહેતી જંજાળોની માયાજાળ પણ આંખોની પાંપણો ઢળવાથી સૂઈ ગઈ હતી. બધે જ જાણે કાળી શાહી પથરાયેલી હતી. એવા સમયે છાનામાના નીંદરમાં કોઈ આવ્યું. રૂપરૂપનો અંબાર હતો. એ પ્રકાશપુંજ પકડાયો નહિ. બસ, કશુંક સુંદર સરી ગયું હતું. મળી મળીને ખોવાઈ ગયું હતું.

ખોળે મસ્તક લૈ બેઠી’તી એક દી રજની કાળી,
જીવનની જંજાળો સઘળી સૂતી પાંપણ ઢાળી;
નીંદરના પગથારે કોઈ આવ્યું છાનું છપનું … મારું ખોવાણું રે સપનું.

લાગે છે સાવ સાદી સીધી એક સપનાની વાત. પણ શું ખરેખર એમ હતું? માણસમાત્રની જીંદગીમાં એવી સોનેરી સપના જેવી તકો આવે છે, એવી ક્ષણો આવે છે જેને  સાચી રીતે ઝીલી ન શકો તો એ સરી જાય છે. પછીથી એને ગમે તેટલી શોધવા મથો પણ એ કદી પાછી આવતી જ નથી. સુખ-દુઃખ, આધિ -વ્યાધિ વગેરે દ્વંદ્વો તો દરેકના જીવનમાં સતત આવતાં રહેતાં જ હોય છે. પણ એ્ની વચ્ચે પણ, એવે વખતે એકમેકની સામે દોષારોપણ કરવાને બદલે, આક્ષેપોભરી આંગળીઓ બતાવ્યા વગર વિવેકબુદ્ધિથી સાચો રાહ પકડી, તકની ક્ષણોને ઝડપી લેવાથી સપનાઓ સરી જતાં નથી. પછી એને શોધવાની દોટ મૂકવી પડતી નથી એવો ગર્ભિત સંદેશો આપતી આ કવિતા મનમાં કાયમી છાપ મૂકી જાય છે.

ત્રણ નાના અંતરામાં મઢાયેલા આ ગીતમાં સુંદર લય છે, પ્રાસાનુપ્રાસ છે, વાર્તાકારની જેમ વાર્તાવસ્તુ છે, ચિત્રકારની જેમ આબેહૂબ શાબ્દિક ચિત્રો છે, કુશળ નાટ્યકાર જેવાં સંવાદોની લાઘવતાભરી ઝલક છે, માનવ અને પ્રકૃતિ બંને સમાવિષ્ટ છે, જીવનની ફિલસૂફી છે તો તાત્ત્વિક્તાની ગર્ભિત છાંટ પણ છે.

“તમારા આજ અહીં પગલા થવાનાં..દિવસો જુદાઈના જાય છે..અને ગુજરાત મારો બાગ છે..” જેવી અફલાતૂન ગઝલોના રચયિતા ગનીભાઈ આમ તો માત્ર ત્રણ ધોરણ જ ભણેલા હતા પણ તેમની ભીતરી સંવેદના અને અભિવ્યક્તિની કલામાં પીએચડી.નો પ્રભાવ હતો.
ઉપરોક્ત ગીત ગેય હોવાથી સ્વરબદ્ધ થયેલ છે અને એકથી વધુ ગાયકોના સૂરમાં હજી પણ ગૂંજે છે. આ સશક્ત કલમને નમન.

અસ્તુ.