
હવે કહ્યા વગર રહી નહિ શકું. મનમાં મૂંઝાઊં છું. એવું પણ માનવી કરી શકે.
ઘરમાં ધનની રેલમ છેલ હોવા છતાં પણ આવું કૃત્ય કઈ રીતે કરી શકાય ?
અમારા ગામના છગન કાકા વટ પાડીને ગામમાં ફરતા હોય. જાણે પોતે
ગરીબોના બેલી હોય એવી છાપ ઊભી કરી હતી.
બાળકો મોટા થઈ ગયા હતા એટલે ધંધામાંથી નિવૃત્તિ લઈ લીધી હતી.
કોઈ વાર મન થાય ત્યારે ગોદામમાં પહોંચી જતા. ખેતીની ઉપજ સારી હતી.
ઘરે ગાય અને ભેંસ દુઝણી હતા. રોજ ઘરનું તાજું માખણ અને દહીં જમવામાં
શેઠાણી આપતા.
૭૦ની આસપાસ ઉમર હશે. ગાલના ગોટા રોજ ગુલાબી જણાય.પંચાયતમાં
તેમની જબરી પહોંચ. લોકો કાકાને રસ્તામાં મળે તો બે હાથ જોડી માથું નમાવે
અને ‘જય શ્રી કૃષ્ણ’ કહે.
ગામનો ધારો હતો નવો મહિનો બેસે એટલે તેની સુદ અગિયારસને દિવસે અમુક
માણસો અનાજ મફત મેળવે. તેને કારણે ગામમાં કોઈ ભૂખ્યું સૂએ નહીં. ગામના
વેપારી નક્કી કર્યા મુજબ અનાજની ગુણીઓ આપી જાય.
છગનકાકાએ જવાબદારી માથે લીધી કે તે બધા અનાજના દસ કિલોના થેલા તૈયાર
કરી સહુને આપવાના. તેના આધાર કાર્ડ તપાસીને આપે. કોઈ બે વાર ન લઈ જાય તેની
તકેદારી રાખે. પ્રજાજન ખુશ હતા. સુદ અગિયારસની કાગડોળે રાહ જોતા હોય.
છગન કાકાને ત્યાં વર્ષોથી કામ કરતા સુખિયાને આ જવાબદારી આપી હતી. સુખિયો
છગનકાકાનો વિશ્વાસુ માણસ હતો. દસ દસ કિલોના થેલા તૈયાર કરી રાખતો.
છગનકાકો ગામમાં ઉજળો થઈને ફરતો પણ તેના ગોરખ ધંધા માત્ર સુખિયાને જ ખબર
હતી. ગોદામમાં આવતું સારું અનાજ છગનકાકાના આદેશથી ઘરમાં રહેતા.છગનકાકાના
ખેતરમાં. જે નબળો માલ ઉગે તે ગામ માટે બદલી લેતો.
સુખિયાને દુખ ઘણું થતું પણ બોલી શકતો નહી. છગન કાકા તેને કામ કરતા બમણું અનાજ
આપતા. આજે એ સુખિયો મરવા પડ્યો છે. તેના અંતરમાં આ વાત ઘુંટાય છે. જીવ જતો નથી
શું કરે ?
મરણ પથારીએ છે, કોને વાત કરે ? તેનું કહ્યું કોઈ સાચું માને ખરું ? છગનકાકાના વટ પાસે
તેની પીપુડી ક્યાં વાગવાની હતી. વિચાર ખૂબ કર્યો. કાગળ પર લખી ઓશિકાની નીચે ચબરખી
મૂકી દીધી. રાતના સૂતા પહેલા આ ઈચ્છા પૂરી કરી. સવારનો સૂરજ છડી પોકારતો આવ્યો પણ
સુખિયાની આંખ ઉઘડવાની હિંમત કરતી ન હતી.
સુખિયાનો જીવ ‘ગતે’ ગયો. મરતા પહેલાં સત્ય જાહેર કર્યું. વહેલી સવારે બાપને ઉઠાડવા ગયેલી
જુવાન સત્યાના હાથમાં એ કાગળની ચબરખી આવી. બાપની વેદના જાણી ગઈ અને પેલા ગામમાં
શાહુકારની શાલ ઓઢીને ફરતા “છગનકાકાની પોલ ખૂલી પાડવાનો મનસૂબો કર્યો.’.








