* શનિ-રવિ બહુ જ વ્યસ્ત રહ્યા. રે ફૂટેલા નસીબ અને અમે નવી મુંબઈ હાફ મેરેથોનની પસંદગી કરી અને તેનો બીબ નંબર લેવા જવા માટે મારે છેક ડી.વાય. પાટીલ સ્ટેડિયમ ધક્કો ખાવો પડ્યો. જતી વખતે તો ટ્રેનમાં જઇને સસ્તામાં પતાવ્યું, વળતી વખતે ટેક્સીમાં આવવું પડ્યું. કુલ સમયનો વેડફાટ – ૫.૩૦ કલાક. રેસ તો હજુ બાકી હતી. બીજા દિવસે સવારે ૩ વાગ્યે ઉઠીને ૫ વાગ્યા જેવો સ્ટેડિયમ પહોંચ્યો. સદ્ભાગ્યે, જાણીતા ચહેરા મળ્યા એટલે થોડું સારુ લાગ્યું. રેસ સમયસર શરુ થઇ પણ પહેલા ત્રણ કિમી અંધારામાં દોડવાની મઝા ન આવી, બાકીનો રસ્તો પણ ઠીક હતો (પામ બીચ રોડ). રસ્તામાં રનર્સને જરુરી કેળાં-સંતરા ગાયબ હતા અને છેલ્લે ખબર પડી કે બ્રેકફાસ્ટમાં ભલીવાર નથી અને અંતર ૨૧.૦૯૫ની જગ્યાએ ઓછામાં ઓછું ૨૦૦ મીટર જેટલું વધુ છે. જે હોય તે, ૨ કલાક, ૧ મિનિટ અને ૫૮ સેકન્ડ અમારો અધિકૃત સમય આવ્યો અને પછી એ જ મોંઘી દાટ ટેક્સીમાં પાછા આવ્યા. ૨૧ કિમી દોડવા માટે અમે ૫૦x૪ એટલે કે ૨૦૦ કિમી જેટલી મુસાફરી કરી. હવે આવી રેસના નામે ચોકડી. વસઇ-વિરાર ઉત્તરમાં અને થાણે પૂર્વમાં અને નરીમાન પોઇન્ટ દક્ષિણમાં – બસ આટલી જ જગ્યાઓએ મુંબઈમાં રેસ હોય તો કરવી, બાકી – ના રે ના!
અને હા, રવિવારે હાફ મેરેથોન પછી સુશાંતભાઇનો સંદેશો આવ્યો કે એ કાંદિવલીમાં છે, તો સાંજે મળવાનું નક્કી કર્યું. જોકે મારે બપોરે આરામ કરવો જરુરી હતોને સાંજે કવિનને ફૂટબોલના નવા કપડાં-મોજા લેવા હતા. તો મોકાનો ફાયદો ઉઠાવી મેં પણ બે ચડ્ડીઓ ઉઠાવી લીધી. રનિંગમાં મને ઝીપ પોકેટ વાળી ચડ્ડી જોઇએ – જે પેલી મોંઘી દાટ નાઇકી, એડિડાસ, રીબોક વગેરે બનાવતી નથી. એ ખાસ લોકલ જેવી કંપનીઓ જ બનાવે અને આપણને એજ ફાવે. ફોન તો વ્યવસ્થિત આવી જાય – અને આ ફોન કંપનીઓ પણ આજ-કાલ પ.૫ ઇંચ કરતાં નાનાં ફોન બનાવતી નથી – એટલે અમને મોંઘી ચડ્ડીઓ પહેરવા મળતી નથી 😀
સાંજે મોડા સુશાંતભાઇ ઘરે મળવા આવ્યા અને વાતોના વડા કર્યા. હવે ફરી આરામથી મળીશું.
* હવે આવતા અઠવાડિયે ગયા વર્ષે બાકી રહી ગયેલ ૬૦૦ કિમી બીઆરએમ છે. મઝા આવશે!
* બે દિવસથી ફરીથી વાચન કાર્યક્રમ શરુ કર્યો છે અને પેન્ડિંગ પુસ્તકો પૂરા કરવામાં આવશે. આ છે સિઆચેન મંગાવી લેવામાં આવ્યું છે. પહેલી નજરે – મસ્ત છે.